astrogujartilogo
નવરાત્રી વિશે જાણો
શૈલપુત્રી - નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ (પહેલું નોરતું)

નવરાત્રીનો પ્રારંભ સુદી એકમથી થાય છે. માઁ નવદુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપ છે. અને નવે નવ દુર્ગાનું અલગ-અલગ સ્વરૂપનું નવ દિવસ સુધી પૂજન થાય છે. પ્રથમ તો આપણે એ જાણીએ કે દુર્ગાનો અર્થ શું છે. જે દુઃખોને દુર કરે છે અને દુર્ગતી માંથી બચાવે છે. તે દુર્ગા છે. દુર્ગાને સમસ્ત વિશ્વની માતા કહેવાય છે. દુર્ગાનો અર્થ થાય છે દુઃખોને દુર કરનારી, માઁ દુર્ગાના નવ સ્વરૂપો પૃથ્વીના દરેક જીવોનું કલ્યાણ કરે છે. માતાનાં પ્રથમ નોરતે “શૈલપુત્રી” સ્વરૂપનું પૂજન થાય છે.

વંદે વાગ્છિતલાભાય ચંદ્રાર્ઘ કૃત શેખરામ

વૃષરુઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્

શૈલ એટલે પર્વત. પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતી વૃષભ પર બિરાજમાન છે. તેમનું વર્ણ શ્વેત છે. જેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરે છે. મનોવાંછિત લાભ માટે શૈલપુત્રીનું આરાધન કરવામાં આવે છે.

શૈલપુત્રી ને સત્વની જનેતા કહેવાય છે. જેમ હિમાલયની ઉંચાઇને આંબી શકાય નહિ તેમ આપણા મનની જ્યોતિને પામી શકાતું નથી. મનમાં જે સાત્વિક વિચારો ઉદભવે છે અને જે સાત્વિક કાર્ય કરીએ છીએ તેનું એક માત્ર કારણ શૈલપુત્રી છે. શૈલપુત્રી એટલે પાર્વતી જે શિવના પત્ની છે. તેઓ પૂર્વજન્મમાં સતીનાં રૂપે જ શિવના પત્ની હતા. યોગી હોય તે પ્રથમ નોરતે મનને સ્થિત કરીને યોગ સાધનાનો પ્રારંભ કરે છે. ભારતમાં કાશી ક્ષેત્રનાં અલઈપુરમાં શૈલપુત્રીનું મંદિર આવેલ છે. માતાજીનાં મંદિરમાં નિત્ય ત્રણવાર આરતી કરવામાં આવે છે અને શૈલપુત્રીને નૈવેધમાં ગાયના શુદ્ધ ઘી નો ભોગ ધરાવાય છે. હે માઁ શૈલપુત્રી સંપૂર્ણ જગતનાં બાળકોને યશ અને સુખ આપજો. મૂલાધાર ચક્રનું પૂજન આ દિવસે વિશેષ મહત્વ આપનારું છે.

નવદુર્ગાનું દ્વિતીય સ્વરૂપ – “બ્રહ્મચારિણી” (બીજું નોરતું)

પર્વતરાજ હિમાલયની પુત્રી દેવી દુર્ગા શૈલપુત્રી તરીકે અવતર્યા જ્યારે વિવાહ યોગ્ય થયા ત્યારે એક નિર્જન જંગલમાં જઈને શિવને પોતાના પતિ તરીકે પામવા માટે ઘોર તપ કર્યું. દેવીના આ સ્વરૂપને “બ્રહ્મચારિણી” કહેવાય છે. બ્રહ્મનો અર્થ થાય છે તપ અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. આમ તપનું આચરણ કરનારી બ્રહ્મચારિણી કહેવાય. કળિયુગમાં થોડી પણ ઈશ્વરની ભક્તિ કરો તો એ તપ સમાન જ છે. જેને મેડીટેશન અને યોગા કહેવાય છે. એને ઋષિમુનીઓ “તપ” કહે છે. જે ધ્યાનથી આત્મા પરમાત્માની અંદર વિલીન થાય છે. પંચાક્ષર મંત્ર “ઓમ નમઃ શિવાય” જાપથી બ્રહ્મચારિણીએ એક હજાર વર્ષ ફળો અને ફૂલો આરોગ્યા અને સો વર્ષ સુધી શાકભાજી આરોગ્યા ઘણા દિવસો સુધી કઠણ ઉપવાસ રાખી તડકો, ઠંડી અને વરસાદનું સેવન કર્યું ત્યાર પછી જમીન પર પડેલા બીલીપત્ર આરોગ્યા ત્યારપછી બીલીપત્ર આરોગવાનો ત્યાગ કર્યો તેથી “અપર્ણા” કહેવાયા. કઠોર તપસ્યા કરીને દેવીએ “શિવ” ની આરાધના કરી. આવી કઠોર તપસ્યા કરવાથી દેવી દુબળા થવા લાગ્યા. તેમની માતા એ દેવીનું આવું કષ્ટ સહન કરતા જોઇને માતા મેનાથી રહેવાયું નહિ અને તેમણે બૂમ પાડી ઉ..મા.. ત્યારથી દેવીનું “ઉમા” નામ પડ્યું.

બ્રહ્મચારિણીની તપસ્યાથી ત્રણે લોક બળવા લાગ્યા. દેવીની તપસ્યા જોઇને દેવતાઓ અને ઋષિમુનીઓ પોતાનું મસ્તક દેવીના ચરણોમાં નમાવવા લાગ્યા અંતે દેવીની કઠોર તપસ્યાથી “શિવ” પ્રસન્ન થયા અને શિવા (પાર્વતી) શિવમય થયા.

દુર્ગાનાં દ્વિતીય સ્વરૂપ “બ્રહ્મચારિણી” નું બીજા નોરતે ધ્યાન ધરવું જોઈએ. ત્યાગ, સમર્પણ, વૈરાગ્ય, સંયમ તથા મનની સ્થિરતા “તપ” દ્વારા જ સંભવ છે. જીવનમાં જે સંઘર્ષો આવે છે તે તપ જેવા જ છે અમારા જીવનમાં આવતા આકરા તપ કે સંઘર્ષો સામે તારી જેમ તટસ્થ રહેતા શીખવજે તો જેમ તારો જય થયો તેમ અમારો પણ જય થાય

દધાના કરપદ્યાભ્યામક્ષમાલા કમણ્ડલ્

દેવી પ્રસીદતુ મયી બ્રહ્મચારીણ્યનુત્તમા

અર્થાત જેણે અક્ષમાળા અને કમંડલ ધારણ કરેલ છે. તેવા બ્રહ્મચારિણી દુર્ગાદેવી મારા ઉપર પ્રસન્ન થાવ.

નવદુર્ગાનું તૃતીય સ્વરૂપ – “ચંદ્રઘંટા” (ત્રીજું નોરતું)

દુર્ગા શૈલપુત્રી તરીકે જન્મ લઈને બ્રહ્મચારિણી સ્વરૂપે તપ કર્યું અને શિવજીનાં અર્ધાગીની બન્યા. દુર્ગા એવું શીખવે છે કે જેમ પતિ રહે એવું જ પત્નીએ રહેવું. તેથી જ જેમ શિવ પોતાનાં મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરે છે તેવી જ રીતે દેવીએ પોતાના મસ્તક પર ઘંટ આકારનો અર્ધગોળ ચંદ્ર ધારણ કર્યો અને પોતાના પતિ શિવની જેમ સૌમ્ય અને સુંદર લાગવા માંડ્યા માટે “ચંદ્રઘંટા” કહેવાયા. શિવને મસ્તકે જેમ ત્રીજું નેત્ર છે તેમ ચંદ્રઘંટાનાં મસ્તકે પણ ત્રીજું નેત્ર છે. શિવ જ્યારે અત્યંત ક્રોધે ભરાય ત્યારે ખૂલે છે જ્યારે ચંદ્રઘંટા દેવીનું ત્રીજું નેત્ર પોતાના બાળકોને સુખ શાંતિ આપવા માટે હંમેશા ખુલ્લું જ હોય છે. ચંદ્રઘંટાને ગરુડ અને વાધ પર આરુઢ થનારી દેવી ભાગવતમાં કહ્યા છે.

દેવીને દસ ભુજાઓ છે દસે ભુજામાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર છે. ચંદ્રઘંટાનું સ્વરૂપ શીતળ છે છતાં પણ તેઓ યુદ્ધ માટે તૈયાર હોય એવી મુદ્રામાં છે. ચંદ્રઘંટાનું ધ્યાન ત્રીજા નોરતે કરીને પોતાનું મન “મણિપુર” ચક્રમાં સ્થિર કરે છે. ચંદ્રઘંટાનું મંદિર કાલીઘાટ, કલકત્તા પાસે આવેલું છે. જીવનમાં નિત્ય મન શાંત રાખવું. મગજને શીતળ રાખવું અને સંકટ સમયે અસત્ય સામે લડવા તૈયાર રહેવું.

પિંડજપ્રવારુઢાં ચણ્ડકોપાસ્ત્રકેયુર્તા

પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા

જે ઉગ્ર,કોપ અને રૌદ્રતાથી યુક્ત છે જે પક્ષીશ્રેષ્ઠ ગરુડ પર આરુઢ છે તેવા ચંદ્રઘંટા દુર્ગાદેવી અમારા માટે કૃપાનો વિસ્તાર કરો.            

નવદુર્ગાનું ચતુર્થ સ્વરૂપ – કૂષ્માંડા (ચોથું નોરતું)

દુર્ગા શૈલપુત્રી થયા બાદ બ્રહ્મચારિણી સ્વરૂપે તપ કરી શિવને પામીને ચંદ્રઘંટા થયા ત્યારબાદ દેવી એ મંદ હાસ્ય કર્યું અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ થઇ તેથી બ્રહ્માંડની જનની “કૂષ્માંડા” કહેવાય છે.

કૂષ્માંડાનો અર્થ કૂ નો મતલબ નાનું અને અંડ એટલે અંડ આકારનાં ઉદરમાં સંસારના તાપો ને સમાવી રાખે તેને કૂષ્માંડા કહેવાય. કૂષ્માંડા અષ્ટભુજાધારી છે જેમાં કમંડળ, ધનુષ્યબાણ, કમળ, અમૃતનો કળશ, ગદા, ચક્ર, અને માળા છે. ચતુર્થ નોરતે યોગી પોતાનું મન “અનાહત” ચક્રમાં સ્થિત કરે છે. કૂષ્માંડાની સવારી વાઘ છે. દેવી કૂષ્માંડાનાં હૃદય માં આખું જગત રહે છે. આરોગ્ય, બળ અને આયુષ્ય આપનારી સમગ્ર જીવની જનેતા કૂષ્માંડા છે. કૂષ્માંડાએ મનુષ્યો, પશુ-પક્ષીઓ, પ્રાણીઓ, સજીવ કે નિર્જીવ વસ્તુઓનું સર્જન કર્યું છે. સૂર્ય ને દિશા અને ઉર્જા કૂષ્માંડા પ્રદાન કરે છે. કૂષ્માંડા નાં આદેશથી સૂર્ય ઉગે છે અને આથમે છે. નવચંડી યજ્ઞમાં બ્રાહ્મણ જે કોળા નો ભોગ અપાવે તે કૂષ્માંડાનો ભોગ છે. કૂષ્માંડાનાં આપણે બાળકો છે અને તેજ આપણને જન્મ આપનારી છે. તે બાળકોનું સર્જન કરે છે તેથી એના બાળકોનું વિસર્જન ના થાય ત્યાં સુધી એની રક્ષા કરે છે.

સુરાસંપૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ

દધાના હસ્તપદમાભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે

રુધિરથી રેલમછેલ અને અમૃતથી પરિપૂર્ણ કળશને કરકમળોમાં ધારણ કરનારી માઁ કૂષ્માંડા દુર્ગાદેવી અમારા માટે શુભદાયી હો.       

નવદુર્ગાનું પંચમ સ્વરૂપ – “સ્કંદમાતા” (પાંચમું નોરતું)

કાર્તિકેયની માતા સ્કંદમાતા છે. દુર્ગા શૈલપુત્રી થઇ શિવના પત્ની થવા માટે બ્રહ્મચારિણી નાં સ્વરૂપે તપ કર્યું ત્યારબાદ શિવના ચંદ્રઘંટા થઈને પોતાના મંદ હાસ્યથી કૂષ્માંડા રૂપે બ્રહ્માંડ ની ઉત્પતિ કરીને એક બાળકની માતા બને છે. તે સ્કંદમાતા છે. પોતાના બાળક સ્કંદ ને સ્કંદમાતા ખોળામાં બેસાડે છે.

દેવીનાં બે હાથમાં કમળ, એક હાથમાં બાળક સ્કંદ (કાર્તિકેય) ખોળામાં પકડેલા અને વરદાન આપતી મુદ્રામાં ચોથો હાથ છે. દેવી સિંહે સવાર છે દેવી નાં આં રૂપનું પૂજન નવરાત્રીના પાંચમાં નોરતે થાય છે. દેવીને કમળ પર બિરાજમાન કરાતા હોવાથી તેઓને “પદ્યાસના” પણ કહેવાય છે. પાંચમાં નોરતે યોગીનું મન “વિશુદ્ધ” ચક્રમાં સ્થિર થાય છે. સુખ-સંપત્તિ, ઐશ્વર્ય, સારું આરોગ્ય, બુદ્ધિ, જ્ઞાન અને સંતાનસુખ સ્કંદમાતા આપે છે. સ્કંદમાતા જગતના તમામ બાળકોની માતા છે. જે હંમેશા બાળકોને પોતાના ખોળામાં રાખે છે. માતા એ જગતના સર્વ બાળકોને ઉત્પન્ન કર્યા પછી પોતાની બુદ્ધિ પ્રમાણે ધર્મ બનાયા. માતા “સ્કંદમાતા” ને એટલે કે જગદંબાને કોઇપણ ધર્મ ક્યારે પણ નકારી શકે નહીં.

એક પરણેલી સ્ત્રી માટે “સંતાનસુખ” એ ઉત્તમ સુખ છે. કોઇપણ દીકરીના વિવાહ થાય ત્યારબાદ એ માતા બને છે, કોઈની “માઁ” તો કોઈની “બા” બને છે. બાળકને સૌથી વધારે પ્રિય એની “માઁ” નો ખોળો જ હોય છે.

દેવી ભાગવતમાં ઋષિ માર્કંડેય મુનિ કહે છે કે મનુષ્ય એમ સમજે કે આ જગત જગદંબામય છે એટલેકે પૃથ્વીના તમામ બાળકો જગદંબાના છે ત્યારે દરેકને સમાન દ્રષ્ટિએ જોશે અને દરેક પ્રત્યે ભાવ શુદ્ધ રહે છે.

સિંહાસનગતા નિત્યં પદ્યાશ્રિતકરદ્વયા

શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની

જે દરરોજ સિંહાસન પર બિરાજમાન છે, બંને હાથોમાં જેમના કમળ શોભે છે, તે સ્કંદમાતા દુર્ગાદેવી સદા કલ્યાણદાયિની હો.          

નવદુર્ગાનું ષષ્ઠી સ્વરૂપ – “કાત્યાયની” (છઠ્ઠુ નોરતું)

નારીશક્તિનું સૌમ્ય સ્વરૂપ દુર્ગાદેવી શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા જેવા સૌમ્ય અને શીતલ સ્વરૂપ દર્શાવે છે. જ્યારે બાળકો પર કોઈ મુશ્કેલી આવે ત્યારે દૈત્યોનો નાશ કરવા દેવી વિકરાળ બને છે. દૈત્ય “મહિષાસુર” નો પૃથ્વી પર જ્યારે ત્રાસ વધી ગયો, દેવોને હેરાન કરવા માંડ્યો, ઋષિમુનિઓને પજવવા લાગ્યો, યજ્ઞોનો નાશ કરવા માંડ્યો, ત્યારે દેવીએ પોતાના બાળકોની રક્ષા માટે મહિષાસુરનો વધ કરવા જે સ્વરૂપ ધારણ કર્યું તે “કાત્યાયની” કહેવાયા. કાત્યાયની બનીને મહિષાસુર સામે યુદ્ધ કર્યું. યુદ્ધ કરતા જ્યારે દેવી થાક્યા ત્યારે દેવતાઓએ દેવીને મધનું પાન ખવડાવ્યું. ત્યારબાદ દેવીએ “મહિષાસુર” નો વધ કર્યો તેથી “જય આદ્યશક્તિ” આરતીમાં શિવાનંદ સ્વામી લખે છે કે

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો

કાત્યાયની દેવીને ચાર ભુજાઓ છે. એક હાથમાં કમળ, બીજા હાથમાં ચંદ્રહાસ નામક તલવાર, ત્રીજા હાથમાં અભયમુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે. દેવી સિંહે સવાર છે. ષષ્ઠી નોરતે યોગી પોતાનું મન “આજ્ઞાચક્ર” માં સ્થિર કરે છે. ઋષિ કાત્યાયનીનાં તપથી પ્રસન્ન થઇ દેવી તેમના ઘરે દીકરી રૂપે અવતર્યા તેમનું નામ ઋષીએ દેવીના નામ પરથી “કાત્યાયની” રાખ્યું. વ્રજની ગોપીઓએ કાલિન્દી યમુનાના કિનારે શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા માં કાત્યાયની ની આરાધના કરી હતી. છઠ્ઠા નોરતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી “કાત્યાયની” દેવીની પૂજા કરવામાં આવે છે.

સ્ત્રીને પોતાના બાળકોનું, પતિનું કે પરિવાર પર જ્યારે સંકટ આવે છે ત્યારે તેમનું રક્ષણ કરવા માટે પોતાની અંદર રહેલી શક્તિ તેમજ તેજ પ્રગટ કરી નકારાત્મક શક્તિઓ કે રાક્ષસો સામે લડવું જોઈએ અને દરેક સ્ત્રીએ “કાત્યાયની” થવું જોઈએ.

ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલ વરવાહના

કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવધાતિની  

ઉજ્જવળ તલવાર થી જેમના હસ્ત શોભે છે. શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે તે અસુરસંહારિણી દુર્ગાદેવી કાત્યાયની અમને મંગળ પ્રદાન કરો.    

નવદુર્ગાનું સપ્તમ સ્વરૂપ – “કાલરાત્રી” (સાતમું નોરતું)

દુર્ગાના શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા પાંચ શીતળ અને સૌમ્ય સ્વરૂપો પછી મહિસાસુર નો વધ કરવા માટે દેવીએ વિકરાળ બનીને “કાત્યાયની” સ્વરૂપ ધારણ કર્યું મહિષાસુરનો વધ કર્યા બાદ “શુંભનિશુંભ” નામના રાક્ષસો દેવીને પામવા માટે દેવીને સંદેશો મોકલે છે કે “ મને પામવા માટે મારી સાથે યુદ્ધ કરો અને મને જીતીને લઇ જાઓ” પોતાના સેનાપતિઓ ચંડ-મુંડને દેવી સાથે યુદ્ધ કરવા શુંભ-નિશુંભ મોકલે છે. દેવી ક્રોધે ભરાઈને ભયંકર સ્વરૂપ ધારણ કરે છે તે “કાલરાત્રી” દેવી કાલિકા બનીને અતિ ભયંકર ગર્જના કરે છે. ચંડ-મુંડનો કાલિકા વધ કરે છે તેથી તે “ચામુંડા” નામે વિખ્યાત થાય છે. રક્તબીજ નામના મહાભયંકર રાક્ષસને દેવી સાથે યુદ્ધ કરવા રણસંગ્રામમાં મોકલે છે ત્યારે દેવી રક્તબીજનો અંગોનું છેદન કરીને અટ્ટહાસ્ય કરીને તેનું રક્તપાન કરે છે અને તેનો વધ કરે છે.

કાલરાત્રીના એક હાથમાં ખડગ બીજા હાથમાં તિક્ષ્ણ લોહ અસ્ત્ર છે. ત્રીજો હાથ અભયમુદ્રામાં અને ચોથો વરમુદ્રામાં છે. ગર્દભ પર દેવી સવારી કરે છે. નવરાત્રીના સાતમા નોરતે અભયપદ આપનારી દેવી કાલરાત્રી નું પૂજન કરવામાં આવે છે. આ દિવસે યોગી પોતાનું મન “સહાર” ચક્રમાં સ્થિર કરે છે. શનિ ગ્રહનું સંચાલન કાલરાત્રી કરે છે. કાલરાત્રી ભૂત-પ્રેત, મેલી વસ્તુઓ, નકારાત્મક શક્તિઓનું ભક્ષણ કરે છે. તમામ ભયોથી પોતાના બાળકને મુક્ત કરે છે અને અભય બનાવે છે.

સંસારની તમામ સ્ત્રીઓનું કંઇક આવું જ છે એક સ્ત્રી જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે બધું જ ખેદાનમેદાન કરી નાંખે છે.

કરાલરૂપા કાલાબ્જસમાનકૃતિ વિગ્રહા

કાલરાત્રિઃ શુભં દધાદ્ દેવી ચંડહાટ્ટહાસિની

જેમનું રૂપવિકરાળ છે, જેમનો દેહ અને આકાર શ્યામ કમળ સમાન છે તથા ભયાનક અટ્ટહાસ્ય કાલરાત્રિ દુર્ગાદેવી અમને મંગલ પ્રદાન કરો.

નવદુર્ગાનું અષ્ટમ સ્વરૂપ – મહાગૌરી (આઠમું નોરતું)

દુર્ગાએ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા જેવા પાંચ શીતળ સ્વરૂપો પછી દેવીએ ષષ્ઠમ “કાત્યાયની” સ્વરૂપ અને સાતમું કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કરીને સમગ્ર લોકને કલ્યાણકારી કરી દીધું. દેવીનો વર્ણ કાલરાત્રીનાં સ્વરૂપમાં શ્યામ થઇ ગયો તેથી મહાદેવજીએ મશ્કરીમાં દેવીને કાળા કહ્યા ત્યારબાદ દેવીએ ઘણા વર્ષો સુધી તપ કરીને ગૌર વર્ણ ધારણ કર્યું તેથી દેવી “મહાગૌરી” કહેવાયા. આઠ વર્ષની કોમલ બાળા અને સોળ વર્ષની સુંદર કુમારિકા જેવું મહાગૌરીનું આ ગૌર સ્વરૂપ હતું.

મહાગૌરીની આરાધના નવરાત્રીની અષ્ટમીએ થાય છે. દેવીને એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં ડમરું, ત્રીજો હાથ અભયમુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે. વૃષભ ઉપર દેવી સવારી કરે છે. તેથી “વૃષારૂઢા” કહેવાય છે. દેવી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે અને ગૌર વર્ણ છે તેથી “શ્વેતાંબરધરા” કહેવાય છે. બાળકનાં સર્વ પ્રકારના દુઃખો દુર કરી મહાગૌરી બાળકનું જીવન આનંદમય બનાવે છે જેથી “આનંદદાયીની” પણ કહેવાય છે.

અષ્ટમીનાં દિવસે દેવો, ગંધર્વો, યક્ષો, મનુષ્યો દેવીની ગૌરવગાથા ગાય છે. આઠમનાં નૈવેદ્ય અને યજ્ઞોની આહુતિ દ્વારા દેવીને સંતુષ્ટ કરાય છે. વસ્ત્ર આભૂષણો, અન્નદાન તથા વિવિધ પ્રકારના દાન બ્રાહ્મણોને આપવાથી દેવી પ્રસન્ન થાય છે.

એક સ્ત્રી દૈત્યોનો નાશ કરવા માટે ક્રોધિત થાય છે ત્યારબાદ તે તનથી ક્યારેય શ્યામ નથી થતી કે મનથી ક્યારે નકારાત્મક થતી નથી તે જેવી હોય છે તેવી જ પાછી થઇ જાય છે શાંત, સૌમ્ય, શીતળ, સુંદર, કોમળ અને હકારાત્મક. સ્ત્રીની સુંદરતા તેના કોમળ મનથી નક્કી થાય છે તેના વર્ણ કે રંગ થી મપાતી નથી.

શ્વેતે વૃષ સમારૂઢાં શ્વેતાંબરધરા વૃષ્ટિ  

મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવ પ્રમોદદા

જે સફેદ વસ્ત્ર ધારણ કરે છે અને સફેદ વૃષભ પર આરૂઢ છે. સદા પવિત્ર છે તથા મહાદેવજીને આનંદ આપનાર મહાગૌરી દુર્ગાદેવી અમને મંગલ પ્રદાન કરો.         

નવદુર્ગાનું નવમ સ્વરૂપ – “સિદ્ધિદાત્રી” (નવમું નોરતું)

દુર્ગાદેવીનાં શૈલપુત્રી,બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા જેવા પાંચ શીતળ સ્વરૂપો છઠુ સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરી પછી દેવીનું નવમું સ્વરૂપ “સિદ્ધિદાત્રી” જે દરેક પ્રકારની સિદ્ધિ આપે છે.

સિદ્ધિઓ આઠ પ્રકારની છે અણિમા,ગરિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ. બાળક સંપૂર્ણ રીતે દેવીના ચરણોમાં સમર્પિત થઈને આઠ પ્રકારની સિદ્ધિઓ મેળવે છે. પોતાનું મન કપાળની મધ્યે આવેલા નિર્વાણ ચક્રમાં યોગી નવમા નોરતે સ્થિર થાય છે. નવદુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. દેવીને એક હાથમાં ગદા, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં શંખ, ચોથા હાથમાં કમળ છે. દેવી સિંહ ઉપર સવાર થાય છે. નવરાત્રીના નવમા નોરતે સિદ્ધિદાત્રી ની આરાધના થાય છે. આદિ પરાશક્તિ કોઈ દેહ સ્વરૂપ ધરાવતા નહોતા ત્યારે શિવજીએ દેવીની ઉપાસના કરતા શિવના પત્ની સ્વરૂપે દેવી પ્રગટ થયા તે સિદ્ધિદાત્રી છે. સિદ્ધિદાત્રીનું પૂજન કરીને દેવો, ગંધર્વો, યક્ષો, ઋષિમુનીઓ, અસુરો એ અવિરત સિદ્ધીઓ પામે છે. જો આપણી માતા, બહેન, પત્ની, દીકરીને આપણે ખુશ રાખીએ તો આપણને આશીર્વાદ મળે છે તે દેવી એ આપેલી સિદ્ધિ સમાન જ હોય છે.

સિદ્ધ ગંધર્વ યક્ષાધૈઃ અસુરૈરમરૈરપિ

સેવ્યમાના સદાભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની

સિદ્ધો, ગંધર્વો, અસુરો, યક્ષો અને દેવતાઓ દ્વારા સદા ભજવા યોગ્ય એવી સીદ્ધીદાયીની દુર્ગાદેવી અમને સિદ્ધિ પ્રદાન કરો. 

ચંદ્રેશ ભટ્ટ

વલ્લભવિદ્યાનગર

મો. ૯૯૧૩૩૯૯૯૯૮