
વાસ્તુ શાસ્ત્ર લેખ ભાગ-૮
તમારા ઘરના કઈ દિશાના દ્વારથી ઘરમાં લક્ષ્મી લઇ જવી ?
- પ્રથમ આપણે જોઈએ તો ઘરમાં લક્ષ્મી લઇ જવા માટે દરેક વર્ગ પ્રમાણે દ્વાર બતાવેલા છે. તેમાં બ્રાહ્મણ વર્ગ હોય તો પશ્ચિમ દિશામાંથી ઘરની અંદર લક્ષ્મી લઇ જવી ઉત્તમ છે.
- ક્ષત્રિય હોય તો પશ્ચિમ દ્વારથી લક્ષ્મી લઇ જવી ઉત્તમ છે. જે કાઈ આવક આવતી હોય તો તેને પણ આ દ્વારથી જ લઇ જવી.
- જે વૈશ્ય વર્ણ છે તેમને પૂર્વ દ્વારમાંથી લક્ષ્મી લઇ જવી ઉત્તમ છે.
- શુદ્રવર્ણ માટે દક્ષિણ દિશામાંથીઘરમાં લક્ષ્મી લઇ જવી ઉત્તમ છે.
જયારે પણ મકાન બનાવો ત્યારે આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે.
- જુનું મકાન હોય તેને જોઈન્ટ કરીને વધારવું તે પણ દોષકારક છે. મકાન બની ગયા પછી આઠે આઠ દિશામાં વધારવું જોઈએ નહી અને વધારવું હોય તો તે જુના મકાનને અડીને હોવું જોઈએ નહી. આઠ દિશામાં વધારવાથી શુ ફળ જોવાય છે તે નીચે પ્રમાણે જોઈએ.
પૂર્વ –મિત્રથી વેર થાય.
અગ્નિ–અગ્નિનો ભય રહે.
દક્ષિણ–મૃત્યુનો ભય રહે.
નૈઋત્ય–બાળકોને માટે શુભ ના જોવાય.
પશ્ચિમ–ધનની હાની થાય.
વાયવ્ય–વાત-વ્યાધિ વધે.
ઉત્તર–માનસિક સંતાપ વધે.
ઇશાન–ખેતી તથા પાક ઉત્પાદનમાં હાની થાય.
હવે સંજોગો વસાત ભાગ વધારવો હોય તો બે દિશાઓમાં વધારી શકાય. દોષ ઓછો લાગે પરંતુ દોષ તો ગણાય જ તે છતાં પૂર્વ અને ઉત્તરના ભાગમાં વધારી શકાય.
નવા મકાનમાં જુનું લાકડું વાપરવું નહી કારણકે તે મકાનના માલિકને અશાંતિ આપે છે અને અનેક પ્રકારની વ્યાધિ કરે છે.
મકાનમાં બે-ત્રણ જાતનું જ લાકડું વાપરવું અને તેમાં વધારે એક પ્રકારનું લાકડું વાપરવું વધારે ઉત્તમ છે. આ રીતે બનાવેલું મકાન શુભ ફળ આપનારું છે. જુનું લાકડું અને નવું લાકડું બન્ને ભેગું થવાથી કલેશ થાય છે.
ઘરમાં કેવા વ્રુક્ષો રાખવા નહી ?
દૂધવાળા, કાંટાવાળા, રસજરવાવાળા આ વ્રુક્ષો રાખવા નહી.
કયા વ્રુક્ષનું લાકડું વાપરવું નહી ?
જે ઝાડ ઉપર ઘુવડ રહેતું હોય તે વાપરવું નહી.
મધુમાખી, માંસાહારી પક્ષીઓ, સર્પ, ભૂત-પ્રેતનો વાસ, રોગયુક્ત માણસ, આકાશમાંથી વીજળી પડી હોય તે, સમાધિ સ્થળ ઉપરનું ઝાડ, દેવ-મંદિરમાં રહેલું ઝાડ, આશ્રમમાં રહેલું ઝાડ, સંગમ ઉપર રહેલું ઝાડ, સ્મશાન ભૂમિમાં રહેલું ઝાડ, ત્રણ માર્ગ જતા હોય તે મધ્ય જગ્યાનું ઝાડ, ચાર ચોકડી વચ્ચેનું ઝાડ. આ વ્રુક્ષોનુ લાકડું ગૃહ નિર્માણ માટે વાપરવું જોઈએ નહી.
બીજા વૃક્ષો જેવા કે પીપળ, કદમ, લીમડો, બહેડા, આંબો, ગુલમહોર, શેતુડો, વડ, આમલી, બાવળીયો આ વ્રુક્ષોનુ લાકડું પણ અશુભ ફળ આપે છે.
ગ્રાહ્ય વૃક્ષ મકાન બનાવવામાં નીચેના વ્રુક્ષોનું લાકડું વધારે શુભકરી છે.
અશોક, મહુડો, સાખુ, અસના, ચંદન, દેવદારુ, શીશમ, શ્રીપરણી, તિંદુકી, કટહલ, ખદીર, અર્જુન, સાલ, સમડી આ શુભ ગણાય છે.
ઉત્તમ ધનદાયક અને લક્ષ્મીદાયક શીશમ, સાગ અને મહુડો છે.
પલંગ બનાવવા માટે શીશમ, સાગ છે.
વ્રુક્ષ કાપવાનું હોય તો કૃષણપક્ષમાં કાપવું જોઈએ. શુક્લપક્ષમાં કાપવું નહી. જે વૃક્ષને કાપવાનું હોય તે વૃક્ષની આગળના દિવસે પૂજા અર્ચન કરી, બલી-નૈવદ્ય અર્પણ કરવું. ઇશાન ખૂણા આગળ ઉભા રહીને પ્રદક્ષિણા કરવી.
વ્રુક્ષ કઈ દિશામાં પડે તેનું પણ એક ફળ બતાવેલું છે. હવે ઉપર મુજબ કદાચ સાગ હોય, શીશમ હોય કે પછી અન્ય વ્રુક્ષ હોય પણ જે દિશામાં પડે તે પ્રમાણે તેનું ફળ છે.
પૂર્વમાં પડે તો ધન-ધાન્યની વૃદ્ધિ કરનારું છે.
દક્ષિણમાં પડે તો પીડા આપનારું છે.
પશ્ચિમમાં પડે તો પશુની વૃદ્ધિ થાય છે, ધન-ધાન્ય વધે છે.
ઉત્તરમાં પડે તો ધનની પ્રાપ્તિ થાય છે.
જો વ્રુક્ષ ઇશાન ખૂણામાં પડે તો તે અતિ શ્રેષ્ઠ છે.